





પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડક્વાર્ટરના જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરી વિરોધી ઝુંબેશ અંતર્ગત પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને બેંક લોન મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ અને ડી.વાય.એસ.પી. રુતુ રાબા ઉપસ્થિત રહ્યા હતા. મનીષભાઈ શિયાળે જણાવ્યું હતું કે, પી.એમ. સ્વનિધિ યોજના નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવાની મહત્વપૂર્ણયોજના છે. તેમણે લાભાર્થીઓને સમયસર હપ્તા ભરી વ્યવસાયને વધુ મજબૂત બનાવવા અને સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ડી.વાય. એસ.પી. રુતુ રાબાએ વ્યાજખોરીથી દૂર રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીનો ભોગ બને તો તે નિર્ભયતાથી પોલીસનો સંપર્ક કરી શકે છે.કાર્યક્રમ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ લિટરેસી સેન્ટરના ઝાહિદ ખોખરે, નાણાકીય સાક્ષરતા, સુરક્ષિત બેંકિંગ અને સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya