
બોટાદ, 15 જુલાઈ (હિ.સ.) : ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખોપાળા ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટીબીના દર્દીઓ તેમજ હાઇરિસ્ક સગર્ભા માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે અને તેમની તંદુરસ્તીમાં સુધારો થાય તે હેતુથી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પોષણ કીટના દાતા લાલજી તળશીભાઈ પટેલ તથા ધર્મનંદન ડાયમંડ, ઉગામેડી દ્વારા સમાજ પ્રત્યેની સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. તેમના સહયોગથી અનેક લાભાર્થીઓને પોષણ કીટ આપવામાં આવી, જે તેમના આરોગ્ય માટે ઉપયોગી સાબિત થશે.
કાર્યક્રમમાં નિતીનભાઈ પટેલ તથા મહેશભાઈ ગાબાણીના વરદહસ્તે લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવા માટે દવાઓની સાથે યોગ્ય અને પૌષ્ટિક આહાર પણ એટલો જ જરૂરી છે. સરકાર દ્વારા ચાલી રહેલા ટીબી મુક્ત ભારત અભિયાનમાં સમાજના દાતાશ્રીઓ અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ અભિયાનને વધુ મજબૂત બનાવે છે.
આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ટીબીના દર્દીઓને સમયસર દવા લેવાની, નિયમિત તબીબી તપાસ કરાવવાની તથા સંતુલિત આહાર લેવાની અપીલ કરી હતી. સાથે જ હાઇરિસ્ક સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત આહાર અને નિયમિત આરોગ્ય તપાસનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું.
અંતે દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સમાજના અન્ય સેવાભાવી લોકો પણ આવા જનકલ્યાણના કાર્યોમાં આગળ આવે તેવી અપીલ કરવામાં આવી. આ પ્રકારના કાર્યક્રમો માત્ર દર્દીઓને પોષણ સહાય પૂરું પાડતા નથી, પરંતુ સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવી ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA