
નવસારી, 15 જુલાઈ (હિ.સ.) : જલાલપોર તાલુકાના ડાભેલ પ્રાથમિક શાળામાં બુધવારે ધ હ્યુમન રેસ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી શૈક્ષણિક કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડાભેલ, આસણા, કાલાકાછા, હાજીપુરા, વાડા, મરોલી સુગર અને માણેકપોર સહિતની સાત પ્રાથમિક શાળાના 300થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી જયેશભાઈ જે. પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી યોગેશભાઈ કે. ટંડેલ તેમજ સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે અને પુસ્તકો પ્રત્યે રસ વધે તે હેતુથી વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્તા વાચન, પુસ્તક પરિચય અને કવિતા પાઠ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે મૂલ્યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી. કાર્યક્રમનું સંચાલન વિસ્પી પીઠાવાલાએ કર્યું હતું.
પ્રાથમિક શિક્ષણાધિકારી યોગેશભાઈ કે. ટંડેલે જણાવ્યું કે શિક્ષણ માત્ર અભ્યાસ પૂરતું સીમિત ન રહી, પરંતુ સારા અને જવાબદાર નાગરિકના ઘડતર માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે સેવાભાવી સંસ્થાઓના સહયોગને બિરદાવતાં શિક્ષણથી વંચિત બાળકોને મુખ્ય પ્રવાહમાં જોડવા સૌને સહકાર આપવા અપીલ કરી હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે ડાભેલ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકમંડળ, ધ હ્યુમન રેસ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો અને શિક્ષક શંકરભાઈ પટેલના યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે