બોટાદમાં મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો 21 જુલાઈએ યોજાશે
બોટાદ, 15 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુક મહિલાઓને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. 21 જુલાઈ, 2026ના રોજ વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સ્કાય સ્પીનટેક્સ પ્રા. લી.
Ai ફોટો


બોટાદ, 15 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુક મહિલાઓને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. 21 જુલાઈ, 2026ના રોજ વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સ્કાય સ્પીનટેક્સ પ્રા. લી., લાઠીદડ દ્વારા ઓપરેટર અને જનરલ વર્કર (ફક્ત બહેનો)ની જગ્યાઓ માટે યોજાશે.

ભરતી મેળામાં 18થી 25 વર્ષની વય ધરાવતી તેમજ ધોરણ 8, ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ ઉમેદવાર બહેનો ભાગ લઈ શકશે. રોજગાર વિનિમય કચેરીએ લાયકાત ધરાવતી મહિલાઓને આ તકનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.

ભરતી મેળાનું આયોજન જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં તા. 21 જુલાઈના રોજ સવારે 11:00 કલાકે કરવામાં આવશે. ઉમેદવારોએ સમયસર સ્થળ પર હાજર રહેવાનું રહેશે.

ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ અગાઉથી અનુબંધમ (Anubandham) વેબ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી બાદ પોર્ટલમાં લોગિન કરીને ‘જોબ ફેર’ મેનુમાં જરૂરી વિગતો ભરી ભરતી મેળા માટે અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ સાથે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ મૂળ અને જરૂરી દસ્તાવેજો લાવવા પણ અનિવાર્ય રહેશે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરીએ જણાવ્યું છે કે આવા ભરતી મેળાઓનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનો અને ખાસ કરીને મહિલાઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવાનો છે. યોગ્ય લાયકાત ધરાવતી મહિલાઓને સીધી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળવાથી રોજગાર મેળવવાની શક્યતાઓમાં વધારો થશે.

ભરતી મેળા અંગે વધુ માહિતી, માર્ગદર્શન અથવા નોંધણી સંબંધિત સહાય માટે ઉમેદવારો કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક કરી શકે છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરીએ તમામ લાયકાત ધરાવતી બહેનોને આ રોજગાર અવસરનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande