

પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : પાટણમાં અષાઢી બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ જગન્નાથ મંદિરથી પરંપરાગત રથયાત્રા માર્ગ પર વિશાળ ફ્લેગ માર્ચ યોજાયો હતો, જેમાં પોલીસ, ઘોડેસવાર દળ અને ડોગ સ્ક્વોડે ભાગ લીધો હતો.
રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે 2 ડીવાયએસપી, 12 પીઆઈ, 22 પીએસઆઈ તેમજ 1000થી વધુ પોલીસકર્મીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો તૈનાત રહેશે. સમગ્ર રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) પણ કાર્યરત રહેશે.
સમગ્ર માર્ગ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે, જ્યારે પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. રૂટ પર સીસીટીવી કેમેરા અને ફિક્સ પોઈન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફ્લેગ માર્ચ દ્વારા સુરક્ષા આયોજનને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ