
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : પાટણ એલસીબીની ટીમે સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતાં ભુસાની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો 45.73 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે 22,800 બોટલ દારૂ, ટ્રક સહિત કુલ 60.91 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રથયાત્રાને ધ્યાનમાં રાખીને પ્રોહીબીશન ડ્રાઇવ દરમિયાન એલસીબીને ચોક્કસ બાતમી મળતા પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવેલા ટ્રકને અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ભુસાની બોરીઓની નીચે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ટ્રક, દારૂ, ત્રણ મોબાઇલ ફોન, ભુસાની બોરીઓ, તાડપત્રી અને બે નકલી નંબર પ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના રાજેશ દેવારામ જાટ અને જગદીશ નારાણારામ જાટની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના ગુડામાલાણીના પ્રકાશ બિશ્નોઈ, પાયલોટિંગ કરનાર બાલાજી અને કડીના એક અજાણ્યા શખ્સની સંડોવણી સામે આવી છે. સમી પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ