
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે કુલપતિ ડો. કે.સી. પોરીયાના અધ્યક્ષસ્થાને પરીક્ષા વિભાગની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુવર્ણચંદ્રક વિતરણની નવી પદ્ધતિ તેમજ પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીએ નક્કી કર્યું છે કે હવે સ્નાતક અને અનુસ્નાતકના અંતિમ વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપવામાં આવશે. આ માટે તમામ છ સેમેસ્ટરના એક્સટર્નલ પરિણામોને આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. આ નિર્ણયના અમલ માટે સુવર્ણચંદ્રકની SOPમાં જરૂરી સુધારા કરીને નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે.
બેઠકમાં વિદ્યાર્થીઓ દ્વારા વિષય પસંદગી અને માર્કશીટમાં થતી ભૂલો અંગે પણ ચર્ચા થઈ હતી. હવે વિદ્યાર્થીએ પસંદ કરેલા વિષયમાં જ પરીક્ષા આપવી પડશે અને ભૂલ માટે સંબંધિત કોલેજ જવાબદાર રહેશે. ફોર્મ ભર્યા બાદ સુધારાની અરજી સમિતિ સમક્ષ કરવી પડશે, જેનો નિર્ણય અંતિમ ગણાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ