
ભાવનગર, 15 જુલાઈ (હિ.સ.)મહિલા અને બાળ વિકાસ વિભાગની આગવી પહેલ હેઠળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નવા સરોડ અને ખીજડીયા (મોખડકા) ગામે બાલિકા પંચાયતની કિશોરીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માત્ર વૃક્ષો વાવવાનો જ નહીં પરંતુ કિશોરીઓમાં નેતૃત્વ, સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પણ મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો.
ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન યોજનાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સ્થાનિક આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનોનો સક્રિય સહયોગ મળ્યો હતો. બાલિકા પંચાયતની કિશોરીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કિશોરીઓએ ગ્રામજનોને પોતાના ઘર, શાળા અને જાહેર સ્થળોની આસપાસ વધુમાં વધુ વૃક્ષો વાવવાની તેમજ તેનું નિયમિત જતન કરવાની અપીલ કરી હતી. તેમણે વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ શુદ્ધ હવા, વરસાદનું સંતુલન, જળસંચય અને ભાવિ પેઢીના સ્વસ્થ જીવન માટે પણ અત્યંત જરૂરી હોવાનું સમજાવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં બાલિકા પંચાયતની દીકરીઓએ આયોજનથી લઈને અમલીકરણ સુધી સક્રિય જવાબદારી સંભાળી પોતાની નેતૃત્વ ક્ષમતા અને સામાજિક પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કિશોરીઓની આ પહેલ ગામના અન્ય બાળકો અને યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની હતી.
કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીની સંકલ્પ ટીમ ઉપસ્થિત રહી હતી. સૌએ પર્યાવરણની સુરક્ષા માટે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રકારની પ્રવૃત્તિઓથી કિશોરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બનવાની સાથે હરિયાળા અને સ્વચ્છ સમાજના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA