
જુનાગઢ,15 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ તા.૧૫ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ આજે જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે સંદર્ભે અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ કરતાં પ્રગતિશીલ ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો શરૂ કરવા પર ભાર મૂક્યો હતો, જેથી નાગરિકોને શુદ્ધ ઉત્પાદનો સરળતાથી મળી રહે અને ખેડૂતોને પણ પોતાના પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર મળી શકે.
ઉપરાંત, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો આ પદ્ધતિ અપનાવે તે માટે 'બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર'ની સ્થાપના કરવા અંગે પણ તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત જેવા કુદરતી ખાતરો સરળતાપૂર્વક ઉપલબ્ધ થઈ શકે. આ બેઠકમાં પ્રાકૃતિક કૃષિના મિશનને વધુ વેગવંતું બનાવવા માટે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.
આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દીપક રાઠોડે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે યોજાયેલી તાલીમ અને જનજાગૃતિના કાર્યક્રમો સહિતની વિગતોથી જિલ્લા કલેક્ટરને અવગત કર્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ સહિતના અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ