'સસ્તા સોનાની લાલચ' આપતી ઠગ ટોળકી ઝડપાઈ: કરજણ એસઓજીની કાર્યવાહી, રૂ.3.36 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા, 15 જુલાઈ (હિ.સ.) : રાજા-મહારાજાના સમયનું સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરતી એક ઠગ ટોળકીનો વડોદરા ગ્રામ્ય એસઓજીએ પર્દાફાશ કર્યો છે. કરજણ પોલીસમાં નોંધાયેલા ગુનાના આધારે ''ઓપરેશન પરાક્રમ'' હેઠળ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામા
આરોપી


આરોપી


વડોદરા, 15 જુલાઈ (હિ.સ.) : રાજા-મહારાજાના સમયનું સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરતી એક ઠગ ટોળકીનો વડોદરા ગ્રામ્ય એસઓજીએ પર્દાફાશ કર્યો છે. કરજણ પોલીસમાં નોંધાયેલા ગુનાના આધારે 'ઓપરેશન પરાક્રમ' હેઠળ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા આરોપી હજુ ફરાર છે.

વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નેશનલ હાઇવે-48 પર કાંડારી બ્રિજ નજીક એક વ્યક્તિ સાથે ₹7 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીને રાજા-મહારાજાના સમયનું કિંમતી સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો અને રોકડ રૂપિયા લઈને તેના બદલામાં ખોટો સોનાનો હાર આપી ફરાર થઈ ગયા હતા.

આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના નિર્દેશ મુજબ 'ઓપરેશન પરાક્રમ' અંતર્ગત એસઓજીની વિશેષ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમે કેલનપુર ફાટક નજીક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી છેતરપિંડીના ₹2.70 લાખની રોકડ રકમ, 5 મોબાઇલ ફોન સહિત કુલ ₹3.36 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓની ઓળખ વિજય ભગવાનભાઈ બારોટ, ડાહ્યાભાઈ ગંગારામ હિમારવાડી અને મનોજ લાલભાઈ મારવાડી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ કેસમાં સંડોવાયેલી મીરાબેન ગુલસન સોલંકી ઉર્ફે રાઠોડ નામની મહિલા આરોપી હજુ ફરાર છે. તેના વિરુદ્ધ પણ અગાઉ છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

સસ્તા ભાવે સોનું અપાવવાના લોભમાં આવી કોઈપણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવા પોલીસે નાગરિકોને અપીલ કરી છે. ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે અને સમગ્ર રેકેટના અન્ય સભ્યો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande