

કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : ભુજમાં અષાઢી બીજ નિમિત્તે યોજાનારા કચ્છ કાર્નિવલ મહોત્સવને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકી છે. મોટી સંખ્યામાં લોકો હમીરસર તળાવ ખાતે ઉમટી પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વાહનવ્યવહાર સરળતાથી સંચાલિત થઈ શકે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાર્થ ફોટડીયાએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ 15 જુલાઈ 2026ના રોજ રાત્રે 9 વાગ્યાથી 16 જુલાઈ 2026ની મધરાત સુધી હમીરસર તળાવને અડીને આવેલા અનેક મુખ્ય માર્ગો પર સામાન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ દરમિયાન રઘુવંશીનગર, મંગલમ ચાર રસ્તા, ખેંગાર પાર્ક, ઉમેદનગર, ટાઉન હોલ, ઘનશ્યામનગર, બસ સ્ટેશન અને આશાપુરા માતાજી મંદિર તરફથી હમીરસર તરફ જતાં વિવિધ માર્ગોને તબક્કાવાર બંધ રાખવામાં આવશે.
ટ્રાફિકના દબાણને ઘટાડવા માટે પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાટવાડી નાકા, રાવલવાડી, કોડકી રોડ, કોલેજ રોડ, જ્યુબિલી સર્કલ, વી.ડી. હાઈસ્કૂલ માર્ગ, છઠ્ઠી બારી રીંગ રોડ અને આશાપુરા રીંગ રોડ સહિતના રસ્તાઓ પરથી વાહનચાલકોને અવરજવર કરવાની સલાહ આપવામાં આવી છે. સ્થળ પર પોલીસકર્મીઓ તૈનાત રહી વાહનચાલકોને માર્ગદર્શન આપશે.
જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી ફરજ પરના વાહનો, પોલીસ વિભાગ દ્વારા અધિકૃત કરાયેલા વાહનો, એમ્બ્યુલન્સ તેમજ ફાયર બ્રિગેડના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી આપાતકાલીન સેવાઓમાં કોઈ અવરોધ ઊભો ન થાય.
જિલ્લા પોલીસ તંત્રને જાહેરનામાનું કડક પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સંબંધિત વિસ્તારોમાં ડિસ્પ્લે બોર્ડ લગાવી લોકોને અગાઉથી જાણ કરવામાં આવશે તેમજ નિયમોના ઉલ્લંઘન સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
વહીવટીતંત્રે કચ્છ કાર્નિવલમાં ભાગ લેવા આવતા નાગરિકોને અગાઉથી જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા, ટ્રાફિક પોલીસના સૂચનોનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરી છે, જેથી સમગ્ર કાર્યક્રમ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને અવરોધમુક્ત રીતે સંપન્ન થઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar