વરસાદની રાહ વચ્ચે કચ્છ એલર્ટ મોડમાં: પશુપાલકોને સ્થળાંતર ન કરવું પડે તે માટે કલેક્ટરનું આગોતરું આયોજન
કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ચોમાસાની મોસમ શરૂ થયા છતાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન વરસતા જિલ્લા તંત્રએ સંભવિત ઘાસચારાની અછતને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજન શરૂ કરી દીધું છે. પશુપાલન કચ્છની અર્થવ્યવસ્થા અને જીવનશૈલીનો મહત્વનો આધાર હોવાથી જ
ઘાસચારા અછત મિટિંગ


ઘાસચારા અછત મિટિંગ


કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ચોમાસાની મોસમ શરૂ થયા છતાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન વરસતા જિલ્લા તંત્રએ સંભવિત ઘાસચારાની અછતને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજન શરૂ કરી દીધું છે. પશુપાલન કચ્છની અર્થવ્યવસ્થા અને જીવનશૈલીનો મહત્વનો આધાર હોવાથી જો આગામી દિવસોમાં પણ વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ઘાસચારાની સમસ્યા ઊભી થઈ શકે છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી અસરકારક આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં ખાસ ભાર એ બાબત પર મૂકવામાં આવ્યો કે જો અછત જેવી સ્થિતિ સર્જાય તો જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવાની ફરજ ન પડે. તેના માટે તાલુકા અને ગામડાઓના ક્લસ્ટર મુજબ ઘાસચારાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની યોજના પર વિચાર કરવામાં આવ્યો. સાથે જ ઘાસના સંગ્રહ, વિતરણ અને જરૂરી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સંબંધિત વિભાગોને તૈયારી રાખવા સૂચના આપવામાં આવી.

કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લાના વિવિધ ઘાસ ગોડાઉનોમાં ઉપલબ્ધ જથ્થાની વિગતવાર માહિતી મેળવી હતી. ઉપરાંત અગાઉના અછતગ્રસ્ત વર્ષોમાં અમલમાં મુકાયેલી ઘાસ વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરીને તેમાંથી મળેલા અનુભવના આધારે વર્તમાન આયોજનને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. તેમણે સ્પષ્ટ સૂચના આપી કે પરિસ્થિતિ વિકટ બને તો દરેક પશુપાલક સુધી રાહતદરે ઘાસ સમયસર પહોંચે તે માટે અગાઉથી તમામ વ્યવસ્થા તૈયાર રાખવી જરૂરી છે.

બેઠક દરમિયાન ઘાસકાર્ડની પ્રક્રિયાને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. મામલતદાર કક્ષાએથી નિયમ મુજબ ઘાસકાર્ડની કામગીરી સરળ અને પારદર્શક રીતે થાય તેમજ જરૂરિયાતમંદ પશુપાલકોને તેનો લાભ સરળતાથી મળી રહે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ઘાસના વિતરણમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે સ્થાનિક સ્તરે સતત દેખરેખ રાખવા સૂચનાઓ આપવામાં આવી.

કલેક્ટરે જિલ્લાના એવા વિસ્તારોની ઓળખ કરવા પણ ભાર મૂક્યો જ્યાં પશુપાલકોની સંખ્યા વધુ છે અથવા જ્યાં ઘાસચારાની અછતની શક્યતા વધુ જોવા મળી શકે. આવા વિસ્તારો માટે વિશેષ આયોજન તૈયાર કરીને જરૂરી સંસાધનો સમયસર ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, આરટીઓ અનિલ ગોસ્વામી, પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, બન્નીના નાયબ વન સંરક્ષક નેવીલ ચૌધરી, જિલ્લા પશુપાલન અધિકારી આર.ડી. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી ચિરાગ નિમાવત, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક વિશ્વા શાહ તેમજ પીજીવીસીએલ, મહેસૂલ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલું આ આગોતરું આયોજન દર્શાવે છે કે સંભવિત અછતની સ્થિતિ સર્જાય તે પહેલાં જ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરીને પશુપાલકોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમયસર આયોજન અને વિભાગીય સંકલનથી કોઈપણ પડકારજનક પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande