
કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક બનેલા હત્યાના ગંભીર ગુનાનો આદીપુર પોલીસે ઝડપભેર ભેદ ઉકેલી મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતા પોલીસની કામગીરી ચર્ચાનો વિષય બની છે. માનવ ગુપ્ત માહિતી (હ્યુમન સોર્સીસ) અને ચોક્કસ ઇન્ટેલિજન્સના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપીને કાયદાના સકંજામાં લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, તા. 13 જુલાઈ, 2026ના રોજ શિણાયથી અંજાર તરફ જતા માર્ગ પર આવેલા ડમ્પિંગ સ્ટેશન સામેના વિસ્તારમાં, મુખ્ય રસ્તાથી અંદાજે 200 મીટર અંદર આવેલા પાણીના ખાડા પાસે હત્યાની ઘટના સામે આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આદીપુર પોલીસ તરત જ સક્રિય બની હતી અને આરોપીને શોધવા માટે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી. આદીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાએ સમગ્ર ટીમને આરોપીની શોધખોળ માટે દિશાનિર્દેશ આપ્યા હતા.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ તેમજ માનવ ગુપ્ત માહિતીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી વિજય રમેશભાઈ ભીલને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલમાં ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કમોડી ગામનું છે.
આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાના કારણો, હત્યાનું ચોક્કસ કારણ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા સહિત આદીપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. હત્યા જેવા ગંભીર ગુનાના આરોપીને ટૂંકા સમયમાં ઝડપી પાડીને આદીપુર પોલીસે ઝડપી અને અસરકારક પોલીસિંગનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar