
કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલ માટે ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પડાણા હાઇવે નજીક મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન અને ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયાની દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને પડાણા હાઇવે વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ અંગે બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે પડાણા હાઇવે પર આવેલી મીની પંજાબ હોટલના પાછળના ભાગે તેમજ પડાણાથી ગળપાદર જતાં માર્ગની બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 117 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો, જેમાં 750 મિલીલીટરની 69 બોટલ અને 350 મિલીલીટરની 48 બોટલનો સમાવેશ થાય છે. ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ ધ્રુબોજ્યોતી રણજીત કલીટા (ઉંમર 18), રહેવાસી પડાણા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાહુલ નામના વ્યક્તિએ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે ₹79,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ સામે ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને આ સમગ્ર ગેરકાયદે સપ્લાય ચેઇનમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસની આ કાર્યવાહી પૂર્વ કચ્છમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ અને ગેરકાયદે દારૂના વેપાર સામે પોલીસની સતત સતર્કતા દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar