

કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : અમદાવાદથી ભુજ આવતી નમો ભારત રેપિડ ટ્રેનમાં સર્જાયેલી અચાનક ટેકનિકલ ખામીને કારણે મંગળવાર મોડી રાત્રે કુકમા રેલવે સ્ટેશન પાસે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભુજથી અંદાજે 28 કિલોમીટર દૂર ટ્રેનમાં આવેલી ખામીના કારણે ટ્રેન લાંબા સમય સુધી કુકમા સ્ટેશને જ ઊભી રહી હતી. મધરાત્રે લગભગ 12 વાગ્યા બાદ પણ ટ્રેન આગળ વધી શકી નહોતી, જેના કારણે મુસાફરોમાં ચિંતા અને અકળામણનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ટ્રેનના લાઇટિંગ પાવર સંબંધિત ટેકનિકલ પ્રશ્ન ઊભો થતાં ટ્રેનની કામગીરી ખોરવાઈ હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રેલવે તંત્ર દ્વારા અન્ય એન્જિનની તાત્કાલિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં નોંધપાત્ર સમય લાગતા ટ્રેનને લગભગ ત્રણ કલાકનો વિલંબ થયો હતો.
ટેકનિકલ ખામીના કારણે ટ્રેનનું એર કન્ડિશનિંગ પણ બંધ થઈ જતાં અંદર બેઠેલા મુસાફરોને, ભારે ગરમી અને ગૂંગળામણનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધુ હોવાથી સ્થિતિ વધુ કઠિન બની હતી. શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે કેટલાક કોચના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલા મુસાફરોને મોડી રાત્રિના સમયે લાંબી રાહ જોવાને કારણે વધુ અસુવિધા અનુભવવી પડી હતી.
નમો ભારત ટ્રેનના વિલંબની અસર અન્ય ટ્રેનોના સંચાલન પર પણ જોવા મળી હતી. ભુજથી મુંબઈ જતી સયાજી એક્સપ્રેસ પણ એક કલાકથી વધુ સમય સુધી મોડી દોડતાં મુસાફરોના પ્રવાસ આયોજનમાં વિક્ષેપ સર્જાયો હતો.
ઘટનાને પગલે રેલવે તંત્રે ટેકનિકલ ખામી દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ટ્રેનને ફરી ગંતવ્ય તરફ રવાના કરવાની કામગીરી શરૂ કરી હતી. જોકે મોડી રાત્રે સર્જાયેલી આ ઘટનાએ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે રેલવેની તકનીકી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar