સેવાના સંકલ્પ સાથે ઉજવાયો અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાનો અમૃત જન્મોત્સવ, મુન્દ્રામાં જરૂરિયાતમંદો સુધી પહોંચ્યો સહાયનો હાથ
કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : સમાજસેવા, માનવતા અને નિઃસ્વાર્થ જનકલ્યાણના પ્રતીક ગણાતા પૂર્વ રાજ્યમંત્રી તથા અનશનવ્રતધારી સમાજરત્ન તારાચંદભાઈ છેડાના 75મા જન્મદિનની, મુન્દ્રામાં સેવાકીય કાર્યક્રમો દ્વારા હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિનને માત્ર
સેવાકીય પ્રવૃત્તિઓ સાથેની કામગીરી


સેવાકીય પ્રવૃત્તિઓ સાથેની કામગીરી


કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : સમાજસેવા, માનવતા અને નિઃસ્વાર્થ જનકલ્યાણના પ્રતીક ગણાતા પૂર્વ રાજ્યમંત્રી તથા અનશનવ્રતધારી સમાજરત્ન તારાચંદભાઈ છેડાના 75મા જન્મદિનની, મુન્દ્રામાં સેવાકીય કાર્યક્રમો દ્વારા હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિનને માત્ર શુભેચ્છાઓ પૂરતો મર્યાદિત ન રાખતા, વિવિધ સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓ દ્વારા તેમના જીવનમૂલ્યોને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મુન્દ્રાની જન સેવા સંસ્થાના આયોજન હેઠળ શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડવામાં આવી હતી. ગરીબ વસાહતોમાં બાળકોને અલ્પાહાર, બિસ્કિટ, ચોકલેટ સહિતની વિવિધ ખાદ્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારોને રાશન કિટો આપીને તેમના જીવનમાં સહાયરૂપ બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સેવા, સહકાર અને માનવતાની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી.

કાર્યક્રમ દરમિયાન મુન્દ્રા-બારોઈ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવીએ જણાવ્યું હતું કે, તારાચંદભાઈ છેડા માત્ર રાજકારણી નહોતા, પરંતુ સમાજસેવાના જીવંત પ્રતિક હતા. ખાસ કરીને કચ્છમાં પડેલા દુષ્કાળ દરમિયાન ગૌસેવા માટે તેમણે કરેલા અવિસ્મરણીય યોગદાનને આજે પણ લોકો સન્માનપૂર્વક યાદ કરે છે. તેમના જીવનમાંથી નવી પેઢીને સેવા અને સમર્પણની પ્રેરણા મળતી રહે તે જ સાચી શ્રદ્ધાંજલિ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જન સેવા સંસ્થાના રાજ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તારાચંદભાઈ છેડા સંસ્થાના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. તેમના માર્ગદર્શન અને સહયોગથી જન સેવા દ્વારા અનેક લોકહિતના કાર્યોને ગતિ મળી છે અને આજે પણ તેમની પ્રેરણાથી વિવિધ સેવાકીય અભિયાનો સતત આગળ વધી રહ્યા છે.

આ પ્રસંગે મુન્દ્રા-બારોઈ નગરપાલિકાના હોદ્દેદારો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તથા શહેરના અગ્રણી વેપારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. સુધરાઈના કારોબારી ચેરમેન ધમભા ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપ ગોર, ધ્રુવરાજસિંહ ચુડાસમા, કરણ મહેતા, અગ્રણી વેપારીઓ વસંતભાઈ ગડા, રમેશભાઈ પિત્રોડા સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

કાર્યક્રમના અંતે જન સેવા સંસ્થાના રાજ સંઘવીએ, તમામ મહેમાનો અને ઉપસ્થિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજનમાં એક જ સંદેશ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયો હતો કે મહાન વ્યક્તિઓના જન્મદિવસની સાચી ઉજવણી તેમના આદર્શોને જીવનમાં ઉતારી સમાજની સેવા કરવાથી જ શક્ય બને છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande