
અમરેલી, 15 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં આવી ચડતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સિંહોની ગામમાં અવરજવરનો સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે સિંહો ગામની શેરીઓમાં ફરી રહ્યા હતા અને શિકારની શોધમાં વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સીસીટીવીમાં સિંહોની હિલચાલ સ્પષ્ટ રીતે કેદ થઈ હતી. સવારે વીડિયો સામે આવતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને માહિતી આપી હતી. વન વિભાગની ટીમે વિસ્તારમાં પહોંચી સિંહોની હિલચાલ પર નજર રાખી હતી તેમજ ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપી હતી.
વન વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે સિંહો કે અન્ય વન્યજીવો દેખાય તો તેમની નજીક જવાનો કે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવો. તેના બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવી. ગીર અને આસપાસના પંથકમાં સિંહોની સંખ્યા વધતાં અવારનવાર તેઓ શિકારની શોધમાં ગામડાં તરફ આવી જતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai