
મહેસાણા, 15 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરીને ઇરાણા ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક પીકઅપ વાહન સહિત કુલ ₹68.60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ અંગે પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે.
નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.જી. ગોહિલની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ચડાસણા પાટીયાથી કમલા અમૃત GIDC તરફ જતાં માર્ગ પર આવેલી કંપની સામેના એક બંધ ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ગોડાઉનમાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 7,200 બોટલો (3,867.84 લિટર) મળી આવી હતી, જેની કિંમત ₹65,60,448 હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત સ્થળ પરથી ₹3 લાખની કિંમતનું પીકઅપ ડાલું પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આમ કુલ ₹68,60,448નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
પોલીસે ગોડાઉનના કબ્જેદાર અને પીકઅપ વાહનના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR