
જામનગર, 15 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડના મોટાવડા ગામે રહેતાં મહિલાને રાતે જમતી વખતે આંચકી ઉપડતાં બેભાન જેવા થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વીસ દિવસ પહેલા જ આ મહિલાએ દિકરીને જન્મ આપ્યો હતો જે મા વિહોણી થઈ ગઈ છે.
જાણવા મળ્યા મુજબ મોટાવડા ગામે રહેતાં આરતીબેન નિતીનભાઈ કોટડીયા રાતે સાડા આઠેક વાગ્યે જમવા બેઠા ત્યારે એકાએક આંચકી ઉપડતાં અર્ધબેભાન જેવા થઇ ગયા હતાં. તુરંત ડોક્ટરને બોલાવવામાં આવતાંતેમણે સારવાર માટે રાજકોટ લઈ જવા સલાહ આપી હતી. આરતીબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ મોડી રાતે મૃત્યુ થતાં હોસ્પિટલ. ચોકીના સ્ટાફે કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર આરતીબેનના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતાં. તેના પતિ નિતીનભાઈ ઈલેક્ટ્રીકની દુકાન ચલાવે છે. વીસ દિવસ પહેલા જ તેણીએ દિકરીને જન્મ આપ્યો હતો. આ નવજાત દિકરીએ મા ગુમાવી દેતાં કોટડીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મોતનું ચોક્કસ કારણ જાણવા કાલાવડ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt