
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) ભગવાન શ્રી જગન્નાથજીની 144મી રથયાત્રાના ઉપલક્ષ્યમાં પાટણના જગદીશ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે મંગળવારે રાત્રે મંદિર પરિસરમાં શ્રી સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કથામાં કુલ 21 યજમાન પરિવારોએ ભાગ લઈ વિધિવત્ પૂજા-અર્ચના સાથે કથાનો ધાર્મિક લાભ લીધો હતો. પાટણ અને મહેસાણાના વિદ્વાન ભૂદેવોએ ભાવપૂર્ણ અને સંગીતમય શૈલીમાં કથાનું વાચન કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરી દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો, જેના કારણે મંદિર પરિસરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ