
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : પાટણ સેશન્સ કોર્ટે સાયબર ફ્રોડ કેસમાં આરોપી વિશાલ રાવળ (રહે. ખામીયાણા, તા. પાટણ)ની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આરોપીની 21 જૂન, 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
સરકાર પક્ષે રજૂઆત કરી હતી કે આરોપીએ કમિશનની લાલચે પોતાના નામે બેંક ખાતું ખોલાવી સાયબર ગુનેગારોને વાપરવા આપ્યું હતું. આ ખાતા સામે દેશના વિવિધ રાજ્યોમાં અનેક ફરિયાદો નોંધાયેલી છે અને તપાસ હજુ ચાલુ હોવાથી આરોપીને જામીન આપવાથી તપાસ પર અસર પડી શકે છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ 'ટેમટી' નામની પેઢી બનાવી તેના નામે કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું, જે મુખ્ય આરોપીને કમિશનના આધારે વાપરવા આપ્યું હતું. આ એક જ ખાતામાં ટૂંકા ગાળામાં અંદાજે રૂ. 1.74 કરોડથી વધુની શંકાસ્પદ લેવડદેવડ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ગુનાની ગંભીરતા, દેશવ્યાપી સાયબર નેટવર્ક સાથેના સંભવિત સંબંધો અને તપાસના હિતને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે વિશાલ રાવળની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ