
ભાવનગર, 15 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે તા. 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રથયાત્રા રૂટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અભેદ સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે.
રથયાત્રા પૂર્વે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ, ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હિસ્ટ્રીશીટરો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં.
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 15 એએસપી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, 48 પોલીસ ઈન્સ્પેક્ટર, 106 સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 1,836 પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમની સાથે હોમગાર્ડના 1,500 જવાનો, એસઆરપીની ચાર સ્પેશિયલ કંપનીઓ, 32 ઘોડેસવાર પોલીસ અને 21 ગેસમેન પણ બંદોબસ્તમાં જોડાશે.
સમગ્ર રથયાત્રા પર સતત નજર રાખવા માટે 12 વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત 24 વિડિયોગ્રાફર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે અને 80 હાઈ-ટેક દૂરબીનની મદદથી દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવશે. સંચાર વ્યવસ્થા માટે 140 વોકી-ટોકી ઉપલબ્ધ કરાયા છે, જ્યારે કાયદો અને વ્યવસ્થાની દેખરેખ માટે 31 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફરજ પર રહેશે.
કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચાર એમ્બ્યુલન્સ અને ચાર ફાયર ફાઈટર ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ અને સૌહાર્દ જાળવી ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લે તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. સમગ્ર તંત્ર ભગવાનની નગરચર્યાને નિર્વિઘ્ન અને સફળ બનાવવા સંપૂર્ણ સજ્જ બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA