
અમરેલી, 15 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 5.003 કિલોગ્રામ સુકો ગાંજો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગાંજા સહિત કુલ રૂ.2,50,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક (સી.આઈ.ડી. ક્રાઇમ અને રેલ્વે), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી નશામુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જના પોલીસ મહાનિરિક્ષક આર.વી. અસારીના માર્ગદર્શન અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના નિર્દેશન હેઠળ અમરેલી એસ.ઓ.જી. દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે બીડીકામદાર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન મથુરભાઈ ધૈયાભાઈ શિયાળ (ઉંમર 60), રહે. બીડીકામદાર વિસ્તાર, રાજુલાના મકાનમાંથી 5.003 કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.2,50,150 હોવાનું પોલીસે જણાવ્યું છે. ઉપરાંત સ્થળ પરથી એક ડિજિટલ વજન કાંટો અને ગાંજો રાખવામાં ઉપયોગમાં લેવાયેલ કાપડનો થેલો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ મળીને રૂ.2,50,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની દિશામાં તપાસ ચાલી રહી છે. અમરેલી એસ.ઓ.જી.ની આ સફળ કાર્યવાહીને નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai