





પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.)આજે જ્યારે દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગો યુવાનો અને મહિલાઓ માટે સ્વાવલંબનનું પ્રતીક બની રહ્યા છે, ત્યારે પોરબંદર જિલ્લાના ઓડદર ગામેથી આત્મનિર્ભરતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.
અહીં રહેતા સ્થાનિક ઉદ્યોગસાહસિક લખતરીયા વિરલબેન પંકજભાઈ અને તેમના પતિ પંકજભાઈ ધીરુભાઈએ સાથે મળીને ‘કલ્પવૃક્ષ ઓર્ગેનિક કોયર હબ’ નામના એક નવતર યુનિટની સ્થાપના કરી છે. પતિ-પત્નીના પરસ્પર સહયોગ અને કંઈક નવું કરવાની તમન્ના સાથે શરૂ થયેલો આ ગૃહઉદ્યોગ આજે આસપાસના વિસ્તાર માટે પ્રેરણારૂપ બન્યો છે.
માંગરોળથી નાળિયેરની છાલનો કાચો માલ લાવીને આ યુનિટમાં અદ્યતન મશીનરી દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાંથી કૃષિ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જેની ભારે માંગ છે, તેવી લો-ઈસી (Low EC) અને હાઈ-ઈસી (High EC) કોકોપીટનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત પર્યાવરણને અનુકૂળ એવી કાથી (કોયર રોપ) અને બાગાયતી ખેતીમાં ઉપયોગી મોસ સ્ટીક (Moss Stick) જેવી વિવિધ ચીજવસ્તુઓનું પણ અહીં સુંદર રીતે ઉત્પાદન થઈ રહ્યું છે.
આ ઉદ્યોગના પ્રણેતા વિરલબેન લખતરીયાએ ગર્વભેર જણાવ્યું હતું કે, તેમના આ યુનિટમાં માંગરોળથી આવતા નાળિયેરના છોતરાં જેવા વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓનું નિર્માણ થાય છે. આ એકમમાં ડી-ફાઇબર મશીન, કોયર રોપ મશીન અને રીવાઇન્ડિંગ મશીન જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે.
વિરલબેને વધુમાં ઉમેર્યું હતું કે, સરકારની 'આત્મનિર્ભર ગુજરાત પોલિસી' નાના અને મધ્યમ ઉદ્યોગસાહસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેના કારણે જ આજે મહિલાઓ પણ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધી રહી છે.
બીજી તરફ, આ એકમની સમગ્ર તકનીકી અને વ્યવસાયિક ધૂરા સંભાળતા પંકજભાઈ લખતરીયાએ પણ આ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, 'કલ્પવૃક્ષ ઓર્ગેનિક કોયર હબ' તેમના પત્નીના નામે સંચાલિત છે અને અહીંથી ખેતીવાડી તેમજ પર્યાવરણને પૂરક એવા ઓર્ગેનિક ઉત્પાદનો તૈયાર થાય છે. પંકજભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદર દ્વારા મળેલી વ્યાજ સહાય (ઇન્ટરેસ્ટ સબસિડી), કેપિટલ સબસિડી, ભાડા સહાય અને પાવર કનેક્શન સબસિડીના લીધે જ તેઓ આટલા મોટા પાયે પ્લાન્ટ શરૂ કરવાનું સાહસ ખેડી શક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં જે રીતે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે અને વ્યવસાય માટે સાનુકૂળ વાતાવરણ ઊભું થયું છે, તેનો આ જીવંત પુરાવો છે. વડાપ્રધાનશ્રીની 'મેક ઇન ઇન્ડિયા' અને 'ડિજિટલ ઇન્ડિયા' જેવી નીતિઓએ સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરવાની સાથે-સાથે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગસાહસિકોને એક નવું આકાશ પૂરું પાડ્યું છે. સરકારી યોજનાઓનો સાચો લાભ જ્યારે આવા છેવાડાના ગામડા સુધી પહોંચે છે, ત્યારે જ સાચા અર્થમાં દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya