
જામનગર, 15 જુલાઈ (હિ.સ.) :જામનગર શહેરના સીટી 'સી' ડિવિઝન પોલીસે પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલ દરમિયાન અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને કાર્યવાહી દરમિયાન કુલ કુલ 86,845 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રથમ કાર્યવાહીમાં ખોડિયાર પોલીસ ચોકી વિસ્તારમાં સમ્રાટ અશોકનગર નજીક પંડિત દીનદયાલ આવાસ પાસે એક્ટિવા પર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લઈ જતા જાવીદભાઈ જમાલભાઈ ખુંભીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 35 દારૂના ચપટા તથા એક્ટિવા મળી કુલ 50,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
બીજી કાર્યવાહીમાં બેડી બંદર રિંગ રોડ પર નાયરા પંપ નજીક દરોડો પાડી આશિષ સુરેશભાઈ કવા અને નિમેષ શાંતીલાલ નિમાવતને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના 47 ચપટા તથા મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
આ કેસમાં કુલ 36,345 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંને બનાવોમાં આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt