
વડોદરા,15 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરનો ફતેગંજ બ્રિજ ફરી એકવાર અકસ્માતના કારણે ચર્ચામાં આવ્યો છે. પાછળથી આવેલા ડમ્પરે કારને ટક્કર મારતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ત્રણ કારને ભારે નુકસાન પહોંચ્યું અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો.
વડોદરા શહેરના વ્યસ્ત ફતેગંજ બ્રિજ પર આજે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્પરે એક કારને ટક્કર મારતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. ટક્કરની અસરથી કુલ ત્રણ કારને નુકસાન પહોંચ્યું હતું.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાની માહિતી સામે આવી નથી. જોકે, વાહનોને ભારે નુકસાન પહોંચતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
અકસ્માત બાદ ફતેગંજ બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકની કતારમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિકને પૂર્વવત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અકસ્માતના કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
ફતેગંજ બ્રિજ પર વારંવાર બનતા અકસ્માતોને લઈને ફરી એકવાર માર્ગ સલામતી અને ભારે વાહનોની ગતિ નિયંત્રણ અંગે પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ