
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : સમી તાલુકાના ઝિલવાણા ગામે પારિવારિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવક પર તેના કાકા અને પિતરાઈ ભાઈએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં મનિષ ધનાભાઈ દેવીપૂજકને ગંભીર ઈજા પહોંચતા તેને પ્રથમ સમી અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ, પત્ની સાથે બોલાચાલી બાદ મનિષ ઘરની બહાર નીકળ્યો હતો. તે દરમિયાન તેના કાકા અમરતભાઈ દેવકણભાઈ દેવીપૂજક અને પિતરાઈ ભાઈ અશોક ઉર્ફે મલી ત્યાં આવી અપશબ્દો બોલ્યા હતા. બાદમાં અમરતભાઈએ ધારીયાથી હુમલો કર્યો હતો, જ્યારે અશોકે લોખંડની પાઈપ વડે માર માર્યો હતો.
તબીબી તપાસમાં મનિષના થાપા પર ટાંકા લેવા પડ્યા હતા તેમજ ખભા પાસે ફ્રેકચર હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મનિષે સમી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ