
અમદાવાદ, 15 જુલાઇ (હિ.સ.) : દેશની સૌથી મોટી બીજી રથયાત્રા ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં યોજાય છે. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા આવતીકાલે 16 જુલાઈના રોજ જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળવાની છે.
અમદાવાદના જગન્નાથ મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમની શરૂઆત ગઇકાલ નેત્રોત્સવ વિધિથી મંદિરના કપાટ ખુલ્યા. મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
ભક્તો અત્યારે આરતીનો લ્હાવો લીધો.
16.4 કિલોમીટર લાંબી રથયાત્રા જોવા માટે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર રૂટ ઉપર ઉમટી પડતા હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી છે. સમગ્ર રૂટ ઉપર 30,000થી વધારે પોલીસ અધિકારીઓને કર્મચારીઓ દ્વારા ભગવાન તેમજ નાગરિકોની સુરક્ષા કરવામાં આવનાર છે.
સૌથી મોટી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા અને રથયાત્રામાં શું ધ્યાન રાખવું તેને લઈને એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા અમારું કર્તવ્ય છે. રથયાત્રાને ભક્તિમય માહોલમાં શાંતિપૂર્ણ રીતે અને સારી રીતે પૂરી કરવામાં અને કાયદો તેમજ વ્યવસ્થા જાળવવા નાગરિકો અમને સહકાર આપો એવી વિનંતી કરું છું.
ખાસ કરીને રથયાત્રા જોવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ આવતી હોય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ દર્શન કરવા માટે રથયાત્રામાં આવતા હોય છે ત્યારે બાળકો ના હાથ પકડી રાખવા અને વૃદ્ધોની જાળવણી કરવા જણાવ્યું છે. બાળકોના ખિસ્સામાં તેમનું નામ અને મોબાઈલ નંબરની ચીઠ્ઠી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે જેથી ક્યાંય પણ જો કોઈ છૂટા પડી જાય તો તાત્કાલિક પોલીસની મદદથી પરિવારનો સંપર્ક પણ કરી શકાય છે.
સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની ભ્રામક વાતો ન ફેલાવવા પણ પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે
જમાલપુર જગન્નાથ મંદિરની સુરક્ષાની જવાબદારી સંભાળનારા ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે ભક્તો માટે અમારું દિલ નરમ છે પરંતુ ગુનેગારો માટે અમારા હાથ લોખંડી છે. જો કોઈએ કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો તેના માટે કડકમાં કડક સજાની જોગવાઈ છે. ગુનેગારોએ જો કાયદો અને વ્યવસ્થા ભંગ કરી તો સજા માટે તૈયાર રહેજો. રથયાત્રામાં માત્ર પોલીસનું મેન પાવર જ નહીં પરંતુ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે ગુનેગારો અને સમગ્ર રથયાત્રા ઉપર ડ્રોન અને સીસીટીવી મારફતે સર્વેલન્સ પણ રાખવામાં આવશે.
રથયાત્રા દરમિયાન ટ્રાફિકમાં લોકો ફસાય નહીં અને શાંતિથી દર્શન કરી શકે તેના માટે રથયાત્રા રૂટ ઉપર પોલીસ દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તેનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે. ક્યાંય પણ ટ્રાફિકને અડચણરૂપ થાય એ પ્રકારે વાહનો પાર્ક ન કરવા તેમજ રૂટ ઉપર દર્શન કરવા આવતા વ્યક્તિઓએ યોગ્ય રીતે ટ્રાફિકના ડાયવર્ઝનને જોઈને આવવા માટે જણાવવામાં આવ્યું છે. રથયાત્રા ભક્તિમય અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તેના માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ