
- 7,500થી લઈ 1 લાખ સુધીની સહાય ચૂકવાશે
- 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત
ગાંધીનગર,15 જુલાઇ (હિ.સ.) તાજેતરના ભારે વરસાદ અને પૂરથી સુરત શહેરમાં હજારો ઘરો અને વેપાર-ધંધાને અસર પહોંચી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે રાજ્ય સરકારે અસરગ્રસ્ત પરિવારો અને વેપારીઓને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત માટે વિશેષ સહાય પેકેજની જાહેરાત કરી છે.
ગત 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને રૂ. 7500 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂપિયા 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે પૂર્ણ થયા બાદ કેશડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણી શરૂ કરવામાં આવી હતી. સાથે જ સ્વચ્છતા કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે હાલ શહેરમાં અંદાજે 9 હજાર સ્વચ્છતા દૂતો સફાઈ કામગીરીમાં જોડાયેલા છે.
રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ લારી-રેકડી ચલાવતા અને નુકસાન પામેલા લોકોને ₹7,500ની સહાય આપવામાં આવશે.
તે ઉપરાંત 40 ફૂટ સુધીની નાની કેબિન ધરાવતા વેપારીઓને ₹25 હજાર અને 40 ફૂટથી વધુ કદની કેબિન ધરાવતા વેપારીઓને ₹50 હજારની સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાનમાં નુકસાન થયેલા વેપારીઓને ₹1 લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયનો લાભ છેલ્લા ત્રણ મહિનામાં જીએસટી રિટર્ન ભરનાર વેપારીઓને મળશે.
સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે લોન સહાય યોજનાની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ત્રણ વર્ષ સુધી લોનના વ્યાજ પર 7 ટકા સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
યોજનાના માપદંડ મુજબ, જીએસટીમાં ₹7 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹20 લાખ સુધીની લોન અને ₹5 લાખ સુધીની વ્યાજ સહાય મળશે. ₹7.5 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹25 લાખ સુધીની લોન અને ₹8 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જ્યારે ₹7.5 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹30 લાખ સુધીની લોન અને ₹10 લાખ સુધીની વ્યાજ સહાય સરકાર દ્વારા આપવામાં આવશે.
હર્ષ સંઘવીએ મુજબ, અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશડોલ અને ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત, પાણી ભરાવાને કારણે રોજગાર અને ધંધા પર અસર પડતાં 36 હજારથી વધુ લોકોને વિશેષ આર્થિક સહાય પણ આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ