ચીખલીમાં બે જળબિલાડીઓની હત્યા મામલે કાર્યવાહી તેજ, વીડિયો વાયરલ થયા બાદ મુખ્ય આરોપીની ધરપકડ
નવસારી, 15 જુલાઈ (હિ.સ.) ચીખલી તાલુકાના કાંગવઈ ગામમાં બે જળબિલાડીઓના મોતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, એક વ્યક્તિએ વાંસના ધોકાથી બંને જળબિલાડીઓ પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Navsari


નવસારી, 15 જુલાઈ (હિ.સ.) ચીખલી તાલુકાના કાંગવઈ ગામમાં બે જળબિલાડીઓના મોતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, એક વ્યક્તિએ વાંસના ધોકાથી બંને જળબિલાડીઓ પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો વન વિભાગના ધ્યાનમાં આવ્યો અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વીડિયો એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો. ડિજિટલ પુરાવા અને સ્થાનિક બાતમીદારોની મદદથી ચીખલી વન વિભાગે વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ કરી અને ગુલાબ કાનજીભાઈ હળપતિની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ વન્યજીવો પર હુમલો કર્યો હોવાની કબૂલાત આપી હોવાનું વિભાગે જણાવ્યું છે.

જળબિલાડી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ 'શેડ્યુલ-1'માં સમાવિષ્ટ અત્યંત સુરક્ષિત પ્રાણી હોવાથી તેના શિકાર અથવા હત્યા બદલ કડક સજાની જોગવાઈ છે. વન વિભાગે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કોર્ટમાં રજૂઆત બાદ આરોપીના જામીન નામંજૂર થતાં તેને નવસારી સબ-જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાને પગલે પ્રકૃતિપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે વન વિભાગની ઝડપી કાર્યવાહીથી વન્યજીવોને નુકસાન પહોંચાડતા તત્વોમાં ચેતવણીનો સંદેશ ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande