
ભાવનગર, 15 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરમાં રહેતા પ્રફુલાબેન બાબુલાલ રાઠોડ છેલ્લા 17 વર્ષથી ભગવાન શ્રી જગન્નાથજી અને અન્ય દેવી-દેવતાઓના શણગાર માટે કલાત્મક સાફા બનાવી અનોખી અને નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. તેમની આ સેવા માત્ર એક કળા નથી, પરંતુ ભગવાન પ્રત્યેની અખંડ શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. વર્ષોથી તેઓ પોતાના હાથે તૈયાર કરેલા સુંદર અને આકર્ષક સાફાઓ દ્વારા ભગવાનના શણગારને દિવ્યતા પ્રદાન કરી રહ્યા છે.પ્રફુલાબેન સામાન્ય દેખાતી સામગ્રી જેમ કે કેનવાસ, પુઠું, ફેવિકોલ અને વિવિધ રંગીન સજાવટી વસ્તુઓનો ઉપયોગ કરીને અદભુત કલાત્મક સાફા તૈયાર કરે છે.
પ્રફુલાબેનના જીવનમાં આઠ વર્ષ પહેલાં એક કપરો સમય આવ્યો હતો. તેઓ પેરાલીસીસ જેવા ગંભીર રોગનો ભોગ બન્યા હતા, જેના કારણે તેમની બોલવાની શક્તિ પણ છીનવાઈ ગઈ હતી. સામાન્ય વ્યક્તિ માટે આવી સ્થિતિ જીવનને નિરાશામાં ધકેલી દેતી હોય છે, પરંતુ પ્રફુલાબેને હિંમત હારી નહોતી. ભગવાન જગન્નાથજી પ્રત્યેની અતૂટ આસ્થા અને સેવા પ્રત્યેના અડગ સંકલ્પે તેમને ફરી ઉભા થવાની શક્તિ આપી.ભગવાનની કૃપા અને પરિવારના સહકારથી ધીમે-ધીમે તેઓ સ્વસ્થ થતા ગયા. આજે તેઓ ફરી બોલી શકે છે અને સંપૂર્ણ ઉત્સાહ સાથે ભગવાનના શણગાર માટે સાફા બનાવવાની સેવા કરી રહ્યા છે.
તેમની મહેનત અને સર્જનાત્મકતાના કારણે દરેક સાફો અનોખો અને આકર્ષક બને છે.એક સાફો તૈયાર કરવામાં તેમને અંદાજે ત્રણ દિવસ જેટલો સમય લાગે છે, કારણ કે તેઓ દરેક નાનામાં નાની બાબતમાં પણ ખાસ કાળજી રાખે છે.તેઓ ભગવાન જગન્નાથજી ઉપરાંત ભગવાન બલભદ્રજી, માતા સુભદ્રાજી તેમજ રથયાત્રા દરમિયાન રથ પર બિરાજમાન થતા હનુમાનજી, શ્રીનાથજી અને યમુનાજી માટે પણ વિશેષ પ્રકારના સાફા તૈયાર કરે છે. દર વર્ષે રથયાત્રા પૂર્વે તેઓ સંપૂર્ણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે આ સેવા નિભાવે છે.
પ્રફુલાબેન રાઠોડની આ અનોખી સેવા સમાજ માટે પ્રેરણારૂપ છે. મુશ્કેલ પરિસ્થિતિઓ સામે હિંમત, અડગ વિશ્વાસ અને નિસ્વાર્થ ભાવના સાથે કરવામાં આવતી પ્રભુસેવા કેવી રીતે જીવનમાં નવી ઊર્જા ભરી શકે છે તેનું તેઓ જીવંત ઉદાહરણ છે. તેમની આ ભક્તિ અને કલાત્મક સેવા ભગવાન જગન્નાથજી પ્રત્યેના પ્રેમ અને સમર્પણની સુંદર અભિવ્યક્તિ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA