
વડોદરા,16 જુલાઈ (હિ.સ.) અષાઢી બીજના પાવન અવસરે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની અનોખી રોબોટિક રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે યોજાઈ. ભજન-કીર્તન અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો, જોકે યાત્રા દરમિયાન શહેરના ખસ્તાહાલ રસ્તાઓ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા.
વડોદરા શહેરના નિઝામપુરા સ્થિત એલજી નગરમાં ભગવાન જગન્નાથજીની અનોખી રોબોટિક રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ રથયાત્રામાં સોસાયટીના રહિશો, મહિલાઓ, યુવાનો અને બાળકોએ મોટી સંખ્યામાં જોડાઈ ભક્તિભાવપૂર્વક ભગવાનના દર્શનનો લાભ લીધો.
રોબોટિક ટેક્નોલોજીથી સજ્જ ભગવાન જગન્નાથજીનો રથ સોસાયટીના વિવિધ માર્ગો પરથી પસાર થયો હતો. યાત્રા દરમિયાન ભજન-કીર્તન, જય જગન્નાથના ગુંજતા નાદ અને ભક્તોના જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો હતો.
જોકે, રથયાત્રા દરમિયાન કેટલાક આંતરિક માર્ગોની બિસ્માર સ્થિતિ પણ નજરે પડી હતી. સ્થાનિકોમાં એવી ચર્ચા જોવા મળી કે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથને પણ શહેરના ખાડાવાળા અને ખસ્તાહાલ રસ્તાઓમાંથી પસાર થવું પડ્યું. જેના કારણે શહેરના માર્ગોની સ્થિતિ અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા હતા.
તેમ છતાં, શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર આ અનોખી રોબોટિક રથયાત્રાએ ઉપસ્થિત સૌના મનમાં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવી અને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવાનો અવસર પૂરો પાડ્યો.આસ્થા સાથે આધુનિક ટેક્નોલોજીનું અનોખું સંયોજન રજૂ કરતી આ રોબોટિક રથયાત્રાએ ભક્તોને આકર્ષિત કર્યા, સાથે જ શહેરના માર્ગોના વિકાસ તરફ પણ સૌનું ધ્યાન દોર્યું.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ