
ભાવનગર,16 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ સુવિધા તરીકે ‘પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્ર’નો પ્રારંભ થયો છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી તથા ભાવનગરના સાંસદ નીમુ બાંભણિયાના સતત પ્રયત્નોથી ભાવનગરને આ કેન્દ્રની ભેટ મળી છે. અમદાવાદ બાદ ગુજરાતમાં સ્થાપિત થયેલું આ બીજું ‘પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્ર’ હોવાથી સમગ્ર જિલ્લાને ગૌરવની લાગણી અનુભવી રહી છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણિયાએ સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે કાર્યરત કેન્દ્રની મુલાકાત લઈ તેની કામગીરી, ઉપલબ્ધ સેવાઓ અને વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરીને કેન્દ્રની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ લાભાર્થીઓને ગુણવત્તાસભર અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનો પણ આપ્યા હતા.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ (DEPwD) અને ALIMCO દ્વારા સંચાલિત આ કેન્દ્રનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક ઉપકરણો તેમના પોતાના જિલ્લામાં જ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.
આ કેન્દ્રમાં વ્હીલચેર, ત્રિપહિયા સાઇકલ, કૃત્રિમ અંગો, ઓર્થોસિસ, બેસાખી, શ્રવણયંત્ર, સ્માર્ટ કેન સહિત દિવ્યાંગજનો માટેના વિવિધ સાધનો તેમજ વરિષ્ઠ નાગરિકો માટે હિયરિંગ એઇડ, કોમોડ વ્હીલચેર, કોમોડ સ્ટૂલ, કૃત્રિમ દાંત, એલ.એસ. બેલ્ટ, ઘૂંટણ અને કમરની બેલ્ટ, સિલિકોન કુશન અને છડી જેવી જરૂરી સહાયક સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે લાભાર્થીઓને આવા સાધનો માટે અન્ય શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં.
હાલમાં દેશભરમાં ALIMCO દ્વારા 105 ‘પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રો’ કાર્યરત છે. ભારત સરકારની પંચવર્ષીય કાર્યયોજના હેઠળ વર્ષ ૨૦૨૯ સુધી દેશમાં કુલ 300 આવા કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ભાવનગરનું આ કેન્દ્ર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સન્માનજનક, સુલભ અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડીને તેમના જીવનમાં આત્મનિર્ભરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA