
સુરત, 16 જુલાઈ (હિ.સ.) રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન વરાછા પોલીસે જાહેરમાં શંકાસ્પદ રીતે ફરી રહેલા 20 વર્ષના યુવકને અટકાવી તપાસ હાથ ધરી હતી. કાળીદાસ નગર સોસાયટી નજીક પોલીસે યુવકની પૂછપરછ કર્યા બાદ પંચોની હાજરીમાં તેની અંગઝડતી લેતા કમરના ભાગેથી અંદાજે 25 સેન્ટીમીટર લાંબો રેમ્બો છરો મળી આવ્યો હતો. હથિયાર રાખવા અંગે કોઈ માન્ય પરવાનો કે યોગ્ય કારણ રજૂ ન કરી શકતાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
તપાસમાં ઝડપાયેલા યુવકની ઓળખ સહદેવ દડુભાઈ ગોહીલ તરીકે થઈ હતી. જપ્ત કરાયેલા રેમ્બો છરામાં સ્ટીલનો હાથો અને તીક્ષ્ણ ધારવાળું પાનું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા નિયમિત નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા અમલમાં રહેલા હથિયાર પ્રતિબંધના જાહેરનામાનો ભંગ કરવા બદલ વરાછા પોલીસે આરોપી સામે જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈને સોંપવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં પણ તેની ચર્ચા ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે