કચ્છી નવા વર્ષે શિક્ષકોને ખુશખબર: પાંચ વર્ષ પૂર્ણ થતાં જ 25 શિક્ષણ સહાયકોને મળ્યો પૂર્ણ પગારનો લાભ
કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 25 શિક્ષણ સહાયકો માટે કચ્છી નવા વર્ષની ઉજવણી આ વખતે વધુ યાદગાર બની છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ દ્વારા પાંચ વર્ષની નિયત સેવા પૂર્ણ કરનારા તમામ 25
શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ અપાયા


શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ અપાયા


કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 25 શિક્ષણ સહાયકો માટે કચ્છી નવા વર્ષની ઉજવણી આ વખતે વધુ યાદગાર બની છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ દ્વારા પાંચ વર્ષની નિયત સેવા પૂર્ણ કરનારા તમામ 25 શિક્ષણ સહાયકોને સમયસર પૂર્ણ પગારના લાભમાં સમાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ રહી કે શિક્ષકોની સેવા પૂર્ણ થયાના દિવસે જ આદેશો આપવામાં આવતા શિક્ષકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષકોના હિતને પ્રાથમિકતા આપતા પારદર્શક અને સમયબદ્ધ વહીવટનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. અગાઉ પણ સરકારી માધ્યમિક વિભાગના 84, સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગના 48 અને અનુદાનિત શાળાઓના 11 શિક્ષકોને પૂર્ણ પગારના લાભમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે નવા 25 શિક્ષકોને આ લાભ મળતાં કુલ 168 શિક્ષકોને સમયસર પૂર્ણ પગારનો લાભ મળી ચૂક્યો છે.

પૂર્ણ પગારના આદેશ પ્રાપ્ત કરનારા શિક્ષકોએ આ પ્રસંગને કચ્છી નવા વર્ષની આગોતરી ભેટ ગણાવી હતી. શિક્ષકોના જણાવ્યા મુજબ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કોઈપણ પ્રકારના વિલંબ વગર નિયમ મુજબની કાર્યવાહી પૂર્ણ કરીને પારદર્શક અને જવાબદાર વહીવટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર તથા સમગ્ર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આદેશ વિતરણ પ્રસંગે વિવિધ શિક્ષક સંગઠનોના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય સંઘના અધ્યક્ષ ચેતન બારમેડા, પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉચ્ચતર માધ્યમિક સંઘના પંકજ દહીંસરીયા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નયન વાંઝા અને અલ્પેશ જાની, માધ્યમિક સંઘના મનીષ પટેલ, ભાવેશ ઉપાધ્યાય, બ્રિજેશ ઠક્કર, અજીત ભાનુશાલી તેમજ બિનસરકારી સંઘના બલવીરસિંહ રાણા સહિતના આગેવાનોએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શિક્ષણ નિરીક્ષક પૃથ્વીરાજસિંહ ઝાલા, મહેશદાન ગઢવી, સિનિયર ક્લાર્ક બિપીન નાગુ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમે સમગ્ર પ્રક્રિયાનું સફળ સંચાલન કર્યું હતું. સમયસર અને નિયમસર પૂર્ણ થયેલી આ કાર્યવાહીથી શિક્ષકોમાં વિશ્વાસનો માહોલ વધુ મજબૂત બન્યો છે અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની કાર્યપદ્ધતિને શિક્ષણજગતમાં પ્રશંસા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande