


કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરવાના હેતુથી કચ્છ જિલ્લામાં “યુવા આપદામિત્ર સ્કીમ” (YAMS) હેઠળ આજથી સાત દિવસીય વિશેષ તાલીમ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માધાપર સ્થિત યક્ષ મંદિર ખાતે યોજાયેલી આ તાલીમમાં જિલ્લાના વિવિધ કોલેજોના એનએસએસ સાથે જોડાયેલા 102 યુવાનો ભાગ લઈ રહ્યા છે. આગામી 20 જુલાઈ સુધી ચાલનારી આ તાલીમ દરમિયાન તેમને આપત્તિ વ્યવસ્થાપનના બેઝિકથી લઈને એડવાન્સ સ્તર સુધીના વિવિધ પાસાઓનું પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવશે.
કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), રાજકોટના સંયુક્ત આયોજનથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF)ના અનુભવી અધિકારીઓ અને જવાનો દ્વારા તાલીમાર્થીઓને આપત્તિ સમયે બચાવ, રાહત, પ્રાથમિક સારવાર, જોખમી વિસ્તારોમાં સુરક્ષિત કામગીરી તેમજ સંકલિત રેસ્ક્યૂ ઓપરેશન અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
માત્ર સિદ્ધાંત પૂરતી મર્યાદિત ન રહી, આ તાલીમને સંપૂર્ણપણે પ્રાયોગિક બનાવવામાં આવી છે. વિવિધ પ્રકારની આપત્તિઓ સર્જાય ત્યારે કેવી રીતે ઝડપી નિર્ણય લેવો, સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધવું, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને જીવ બચાવવાની કામગીરી અસરકારક રીતે કરવી તે અંગે લાઈવ ડેમો અને ફિલ્ડ એક્સરસાઈઝ દ્વારા તાલીમ આપવામાં આવશે. આથી યુવાનોમાં આપત્તિના સમયે નેતૃત્વ, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બનશે.
આ પહેલનો મુખ્ય હેતુ ગામડાં અને શહેરોમાં એવા પ્રશિક્ષિત યુવાનોનું નેટવર્ક ઊભું કરવાનું છે, જે કોઈપણ સંકટની ઘડીએ વહીવટી તંત્રને તાત્કાલિક સહયોગ આપી શકે અને સ્થાનિક સ્તરે બચાવ કામગીરીને વધુ ઝડપી તથા અસરકારક બનાવી શકે. આપત્તિ વ્યવસ્થાપનમાં યુવાનોની સક્રિય ભાગીદારી વધારવા માટે આ પ્રકારની તાલીમને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડિઝાસ્ટર મામલતદાર પી. કે. ચૌધરી, SPIPAના નાયબ સેક્શન અધિકારી હીનલ કુવાડિયા, જિલ્લા ડિઝાસ્ટર શાખાના ડીપીઓ નિરવસિંહ નાડોડા, એનડીઆરએફના ઇન્સ્પેક્ટર એસ.એન.પરીખ તેમજ યક્ષ મંદિરના મેનેજર હિતેશ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને આપત્તિના સમયમાં સમાજ માટે જવાબદારીપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.
કચ્છ જેવા ભૌગોલિક રીતે સંવેદનશીલ જિલ્લામાં આવી તાલીમ માત્ર યુવાનોના કૌશલ્ય વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં આપત્તિ સામે વધુ સજ્જ અને સુરક્ષિત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું પણ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar