

કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ)એ પોતાની કાર્યક્ષમતા અને ઝડપી કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાનો વધુ એક પુરાવો આપતા માત્ર 22 કલાક અને 25 મિનિટમાં 38,500 મેટ્રિક ટન બેન્ટોનાઈટનું સફળ લોડિંગ પૂર્ણ કરીને નવો ઓપરેશનલ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ સિદ્ધિએ દેશના અગ્રણી બંદરોમાં ડીપીએની મજબૂત ઓળખને વધુ મજબૂત બનાવી છે.
એમવી બઝાર્ડ નામના જહાજમાં બેન્ટોનાઈટ લોડિંગની કામગીરી 2 જુલાઈ, 2026ના રોજ સાંજે 4:05 કલાકે શરૂ કરવામાં આવી હતી. સતત અને સુવ્યવસ્થિત કામગીરીના પરિણામે બીજા જ દિવસે બપોરે 2:30 કલાકે સમગ્ર લોડિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આટલા ઓછા સમયમાં આટલી મોટી માત્રામાં માલસામાનનું લોડિંગ થવું પોર્ટની આધુનિક કામગીરી, યોગ્ય આયોજન અને તમામ સંકળાયેલા વિભાગો વચ્ચેના સુમેળનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર કામગીરીમાં વિવિધ એજન્સીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્ટીવડોર તરીકે શ્રીઆશાપુરા સ્ટીવડોર્સ, વેસલ એજન્ટ તરીકે સ્પાર્ટન્સ મરીન સર્વિસિસ, કસ્ટમ હાઉસ એજન્ટ તરીકે બાલાજી ઇન્ફ્રાપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ તેમજ નિકાસકાર તરીકે જીમ્પેક્સ ઇમેરીઝ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝે સંકલિત પ્રયાસો દ્વારા કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં યોગદાન આપ્યું હતું.
પોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ સિદ્ધિ માત્ર ઝડપી લોડિંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ જહાજોના ટર્નઅરાઉન્ડ સમયને ઘટાડવામાં, નિકાસ પ્રક્રિયાને વધુ ગતિશીલ બનાવવામાં અને વેપાર-ઉદ્યોગને વિશ્વસનીય લોજિસ્ટિક્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણોને અનુરૂપ કામગીરી દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટી સતત નવા માપદંડો સ્થાપિત કરી રહી છે.
આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સુશીલ કુમાર સિંહ (IRSME)એ તમામ હિતધારકો, પોર્ટ યુઝર્સ, ટ્રેડ યુનિયનો, અધિકારીઓ, કર્મચારીઓ અને શ્રમિકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ટીમવર્ક, સમર્પણ અને સુમેળભર્યા પ્રયાસોના કારણે જ આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેમણે ભવિષ્યમાં પણ આવી જ કાર્યક્ષમતા સાથે દેશના વેપાર અને નિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ડીપીએ સતત પ્રયત્નશીલ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar