રાપરમાં ચોરીનું બાઇક લઈને ફરતા બે શખ્સ પોલીસના જાળમાં; પેટ્રોલિંગ દરમિયાન રાપર પોલીસે ઉકેલ્યો વાહનચોરીનો ગુનો
કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લામાં વાહનચોરીના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાન વચ્ચે રાપર પોલીસે મહત્વની સફળતા મેળવી છે. રાપર ટાઉન વિસ્તારમાંથી ચોરાયેલું મોટરસાયકલ ઝડપી શોધી કાઢતાં પોલીસે બે આરોપીઓને ઝડપી
મોટર સાયકલ ચોરી કેસનો આરોપી


કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લામાં વાહનચોરીના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાન વચ્ચે રાપર પોલીસે મહત્વની સફળતા મેળવી છે. રાપર ટાઉન વિસ્તારમાંથી ચોરાયેલું મોટરસાયકલ ઝડપી શોધી કાઢતાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

જિલ્લામાં ઘરફોડ અને વાહનચોરી જેવા ગુનાઓને અટકાવવા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણાએ પોતાની ટીમને સતત પેટ્રોલિંગ અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા સૂચના આપી હતી.

આ દરમિયાન રાપર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે ચિત્રોડ રોડ પર હનુમાન મંદિર નજીક એક શંકાસ્પદ મોટરસાયકલને રોકી તપાસ કરવામાં આવી હતી. બાઇક ચલાવતા બે યુવકો પાસે વાહનના માલિકીના કોઈ આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે આ મોટરસાયકલ થોડા દિવસો અગાઉ રાપર ટાઉન વિસ્તારમાંથી ચોરી થયું હતું અને તે અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલો હતો.

પોલીસે બંને શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતાં વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઝડપી પાડવામાં આવેલા આરોપીઓમાં લાલજી રાયધનભાઈ દેવીપુજક અને દિનેશ બીજલભાઈ દેવીપુજક , બંને સરભંગી વિસ્તાર, રાપરના રહેવાસીઓનો સમાવેશ થાય છે.

આરોપીઓના કબ્જામાંથી અંદાજે ₹25 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું છે. નોંધાયેલા ગુનાના અનુસંધાને બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણા, પીએસઆઈ બી. એસ. ચૌધરી તેમજ સર્વેલન્સ સ્ટાફની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના પરિણામે સફળ બની હતી. વાહનચોરીના ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલી ચોરાયેલું વાહન પરત મેળવવામાં પોલીસને મળેલી આ સફળતા ગુનેગારો માટે ચેતવણીરૂપ સાબિત થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande