
સુરત, 16 જુલાઈ (હિ.સ.) સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઓનલાઇન હાજરી પ્રણાલીના અમલ દરમિયાન નોંધાયેલી અનિયમિતતાઓને ગંભીરતાથી લેતાં 550થી વધુ શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવી છે. 8 જૂનથી 9 જુલાઈ દરમિયાન એક અથવા વધુ દિવસોની ઓનલાઇન હાજરી નોંધાઈ ન હોવાથી કુલ 558 શિક્ષકો પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ડિજિટલ મોનિટરિંગના ભાગરૂપે ગાંધીનગરથી મળેલા સૂચન બાદ સ્થાનિક તંત્રે આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવાયું છે.
નવી GPS આધારિત હાજરી પ્રણાલી હેઠળ શિક્ષક શાળાના પરિસરમાં હાજર હોય ત્યારે જ તેમની હાજરી માન્ય ગણાય છે. આ વ્યવસ્થાનો હેતુ શિક્ષકોની સમયસર હાજરી સુનિશ્ચિત કરવો અને સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. જોકે, નોટિસ મેળવનારા ઘણા શિક્ષકોએ પોતાના જવાબમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા, ચોમાસાને કારણે કનેક્ટિવિટીનો અભાવ અને ઓનલાઇન પોર્ટલમાં સર્જાતી ટેકનિકલ ખામીઓને હાજરી ન નોંધાવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
શિક્ષણ સમિતિએ તમામ રજૂઆતોની તપાસ શરૂ કરી છે અને જ્યાં ખરેખર ટેકનિકલ મુશ્કેલી હોવાનું સામે આવશે ત્યાં યોગ્ય વિચારણા કરવામાં આવશે. બીજી તરફ, સંતોષકારક જવાબ નહીં મળે તો નિયમો મુજબ ખાતાકીય કાર્યવાહી અથવા અન્ય વહીવટી પગલાં લેવાઈ શકે છે. સમિતિનું કહેવું છે કે શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા અને વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ મળે તે માટે ઓનલાઇન હાજરી પ્રણાલીનો કડક અમલ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે