
અમદાવાદ,16 જુલાઇ (હિ.સ.) આજે અષાઢી બીજ નિમિતે જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે.જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પરંપરાગત રીતે મંગળા આરતી અને પહિંદ વિધિ સાથે યાત્રાનો પ્રારંભ કરાવાયો છે. જેમાં લાખો ભક્તો ‘જય જગન્નાથ’ના નાદ સાથે જોડાયા છે.
વર્ષમાં આ એક જ દિવસ હોય છે જ્યારે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે મંદિરની બહાર શહેરમાં આવે છે.
આજના દિવસે ભક્તો તેમના દર્શન કરીને પાવન થાય છે.
આ વર્ષે પણ રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિનો માહોલ છવાયો છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર પહોંચી ગયા છે. આજે સવારથી ભક્તો ભગવાનના દર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જ્યાં અમદાવાદના સરસપુરમાં મોસાળ ખાતે આવેલા મંદિરે ભગવાન જગન્નાથને મામેરું અર્પણ કરાયું છે. ત્યારે મામેરાના દર્શન માટે સરસપુરથી શારદાબહેન હોસ્પિટલ સુધી ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.
ભગવાન જગન્નાથ માટે ખાસ ફૂલોની ડિઝાઈનના સુંદર વાઘા તૈયાર કરાયા છે અને સોના-ચાંદીના આભૂષણો પણ ભગવાનને અર્પણ કરાયા છે. જેના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી.
અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નીકળે અને મોસાળમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શનની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે.
ભક્તોએ ભગવાનને ફૂલોથી વધાવ્યા હતા. આ પ્રસંગે ત્યાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ પાવન પ્રસંગે મોસાળ સરસપુરમાં 17 જેટલી પોળમાં રસોડા ધમધમે છે. જેમાં 15 હજાર ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા થાય છે.ત્યારે સરસપુરમાં ભક્તોના આગમન સાથે જમણવાર પણ શરૂ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ