શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘સંસ્કૃતોત્સવ’ કાર્યક્રમ યોજાયો
- સંસ્કૃતના પ્રચાર-પ્રસાર, સંવર્ધન અને ઉત્થાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિદ્વાનો તેમજ શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિઓને સન્માનિત કરાયા અમદાવાદ,16 જુલાઇ (હિ.સ.) શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખા
'Sanskrit Festival' program was organized in the encouraging presence of Education Minister Dr. Pradyuman Vaja


- સંસ્કૃતના પ્રચાર-પ્રસાર, સંવર્ધન અને ઉત્થાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિદ્વાનો તેમજ શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિઓને સન્માનિત કરાયા

અમદાવાદ,16 જુલાઇ (હિ.સ.) શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે ‘સંસ્કૃતોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર,ગુજરાત યુનિવર્સિટી અને સંસ્કૃત ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં દેવભાષા સંસ્કૃતના પ્રચાર-પ્રસાર અને સંવર્ધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિદ્વાનો તેમજ શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિઓને સન્માનિત કરવામાં આવી હતી.

આ મંગલમય અવસરે સંસ્કૃત ભાષા અને સાહિત્યના ઉત્થાન માટે વર્ષ 2025 અને 2024ના વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સન્માનો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો અંતર્ગત મયુરી ભાટિયાને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર - 2025 , ડૉ.ધીરેન્દ્ર મિશ્રાને ‘યુવા ગૌરવ પુરસ્કાર - 2025 , શાસ્ત્રી સ્વામી સંતવલ્લભ દાસજી, ડૉ. લાભશંકર જોશી અને ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ‘વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિત સન્માન - 2025 ’ એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, નિકેશ રાવલ અને તેમના પરિવારને ‘સંસ્કૃત કુટુંબ સન્માન - 2025’ અને ધનશ્રી ભટ્ટને ‘સંસ્કૃત સેવા સન્માન - 2025’ એનાયત કરીને વિદ્વાનોની સાધનાને બિરદાવવામાં આવી હતી. આ તકે મહાનુભાવોના હસ્તે સંસ્કૃત સંબંધિત પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

સંસ્કૃતોત્સવમાં સંસ્કૃત ભાષામાં રચાયેલા ઉચ્ચ કોટિના સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2024 ના ‘શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક’ અંતર્ગત સંશોધન-ભાષા-વ્યાકરણ, અનુવાદ, વિવેચન, કવિતા, હાસ્ય-વ્યંગ-કટાક્ષ, વાર્તા જેવા વિવિધ ૬ વિભાગોમાં ઉત્કૃષ્ટ પુસ્તકોના સર્જકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, કાલિદાસ જયંતિના મંગલ અવસરે યોજાયેલ આ ઉત્સવ સંસ્કૃત પ્રત્યેની આપણી આસ્થાનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા સંસ્કૃત ભાષા અને આપણી મૂળ સંસ્કૃતિના મહિમાને પુનઃ ઉજાગર કરાયો છે. આપણી પ્રાચીન પરંપરાઓ અને વૈદિક સાહિત્ય વાસ્તવમાં ગહન વિજ્ઞાન છે. આજના આધુનિક યુગમાં તેના પર વ્યાપક સંશોધનો થાય તે અત્યંત અનિવાર્ય છે. આપણે પ્રાદેશિક ભાષાઓનો મહિમા ચોક્કસ કરીએ પરંતુ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે આ તમામ ભાષાઓની મૂળ જનની દેવભાષા સંસ્કૃત જ છે એમ તેમણે ઉમેર્યું હતું.

સંસ્કૃતને વિશ્વની સૌથી વૈજ્ઞાનિક ભાષા ગણાવી મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કટિબદ્ધ છે અને નવી પેઢી સુધી સાહિત્ય સરળતાથી પહોંચાડવા અકાદમી દ્વારા ઇ-બુક તેમજ ઓડિયો બુક બનાવવાની સરાહનીય પહેલ હાથ ધરાઈ છે. યુનેસ્કો અને નાસા જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ આજે સંસ્કૃત ભાષાની વૈજ્ઞાનિકતા સ્વીકારી છે, તેમજ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ જેવી વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પણ સંસ્કૃતના વિશેષ વિભાગો કાર્યરત થયા છે જે આપણા દેશ માટે ગૌરવની બાબત છે એમ તેમણે ઉમેર્યું હતું.

સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ ઝાએ જણાવ્યું હતું કે, કાલિદાસની ચેતનાને સ્મરણ કરવાના આ પાવન અવસરે સંસ્કૃત એ માત્ર ભૌતિક કે યાંત્રિક બુદ્ધિનો વિષય નથી, પરંતુ તે માનવીય ‘ચૈતન્ય પ્રજ્ઞા’ની ધરોહર છે. તેમણે સંસ્કૃતના વિદ્યાર્થીઓ અને તેના ઉજ્જવળ ભવિષ્ય અંગે અડગ વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, આગામી સમયમાં સંસ્કૃત એ ભવિષ્યની મુખ્ય ભાષા બનીને ઉભરશે.

ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ જોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ભવ્ય મહોત્સવ એ માત્ર એક સાંસ્કૃતિક પ્રસંગ નથી, પરંતુ ભારતની મહાન સનાતન જ્ઞાન પરંપરાને આગળ ધપાવવાનું એક પવિત્ર અને ગૌરવશાળી અભિયાન છે, કારણ કે સંસ્કૃત એ આપણા રાષ્ટ્રનો આત્મા અને માનવતાનો શાશ્વત પ્રકાશ છે.

સંસ્કૃત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સફળ અમલીકરણ અને ભારતીય જ્ઞાન પરંપરાના વારસાને યુવા પેઢી સુધી સરળ ભાષામાં પહોંચાડવા અકાદમી કટિબદ્ધ છે. તેમણે સંસ્કૃત ક્ષેત્રે સંશોધન કરતા વિદ્વાનોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વાતાવરણ સંસ્કૃતમય અને ઉત્સાહવર્ધક રહ્યું હતું, જે આવનારી પેઢીને સંસ્કૃત ભાષા તરફ વાળવામાં પ્રેરણારૂપ સાબિત થશે. સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો. સુકાંતકુમાર સેનાપતિએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande