અષાઢી બીજે ગુજરાતમાં રથયાત્રા સાથે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ,24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ
- કપરાડામાં સૌથી વધુ 1.73 ઇંચ:ગીર સોમનાથમાં સવારથી વરસાદ - આજે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં જળાભિષેક થઈ શકે અમદાવાદ,16 જુલાઇ (હિ.સ.) લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સુખદ સમાચાર આવ્યા કે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે અષા
અષાઢી બીજે ગુજરાતમાં રથયાત્રા સાથે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ,24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ


- કપરાડામાં સૌથી વધુ 1.73 ઇંચ:ગીર સોમનાથમાં સવારથી વરસાદ

- આજે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં જળાભિષેક થઈ શકે

અમદાવાદ,16 જુલાઇ (હિ.સ.) લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સુખદ સમાચાર આવ્યા કે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે અષાઢી બીજે ગુજરાતમાં રથયાત્રા સાથે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. 24 કલાકમાં 118 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ખેડૂતો અને લોકોને ગરમીથી રાહત. મળી. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.73 ઇંચ વરસ્યો છે.

આજે ભક્તિ અને ઉમંગથી ભર્યા અષાઢી બીજના પાવન અવસરે ગુજરાતમાં ઠેર ઠેર રથયાત્રાઓ યોજાઈ રહી છે. ત્યારે એક સપ્તાહના વિરામ બાદ હવે ફરી એકવાર રાજ્યમાં વરસાદે બીજો રાઉન્ડ શરૂ કર્યો છે. અષાઢી બીજ પર રથયાત્રામાં મેઘમહેર શરૂ થઈ છે. વલસાડ, નડિયાદ, વિરમગામ અને વઢવાણ સહિત રાજ્યનાં 118 તાલુકામાં છેલ્લી 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ અને સુરતના ગામડાઓમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેના કારણે ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક રીતે સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રને પણ સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગના નીતિવિષયક વિશ્લેષણ અને સેટેલાઇટ ઈમેજ મુજબ, હાલ રાજ્યમાં એકસાથે ચાર શક્તિશાળી વેધર સિસ્ટમ ‘લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ’ સક્રિય છે. આ ચાર સિસ્ટમના પ્રભાવના કારણે આગામી દિવસોમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાશે અને છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે, આજે રથયાત્રાના દિવસે અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ અને તેજ પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની ખાસ સંભાવના દર્શાવી છે.

આજે 16મી જુલાઈને ગુરુવારે અષાઢી બીજ પર ગીર સોમનાથ અને સુરતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે. રથયાત્રા વચ્ચે સુત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘમહેર થઈ છે. તો સુરતમાં 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદે કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. સુરત શહેરમાં ખાડીપૂરનું પાણી હજુ માંડ માંડ ઓસર્યું જ છે, તે સમયે ફરી એકવાર વરસાદી આફતે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. જોકે ગ્રામ્ય પંથકમાં વરસાદે ખુશી વરસાવી છે.

વેરાવળ-સોમનાથમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. વહેલી સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી બાદ વરસાદની રાહ જોતા ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે શહેરની અનેક શેરીઓમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા છે.

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શરૂઆતના વરસાદ બાદ છેલ્લા બે સપ્તાહથી વરસાદ ખેંચાતા અસહ્ય ઉકળાટનો માહોલ સર્જાયો હતો. લાંબા વિરામ બાદ ગત મોડીરાત્રે એકાએક વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને સૂકાઈ રહેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે. પાટણ રાત્રે 2થી 6 વાગ્યા સુધીમાં 17 મિમી, સરસ્વતી તાલુકામાં રાત્રે 2થી 4 વાગ્યામાં 25 મિમી, હારીજમાં 2 મિમી, સમીમાં 4 મિમી, ચાણસ્મામાં 1 મિમી વરસાદ વરસયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande