પૂર બાદ ડ્રેનેજ સફાઈ પર મનપાનો ફોકસ, કાદવ-પ્લાસ્ટિક દૂર કરવાની કામગીરી તેજ
સુરત, 16 જુલાઈ (હિ.સ.) ખાડી પૂર અને ભારે વરસાદ બાદ શહેરમાંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ હવે સુરત મહાનગરપાલિકા માટે સ્ટોર્મ ડ્રેનેજ નેટવર્કને ફરી કાર્યક્ષમ બનાવવું સૌથી મોટો પડકાર બન્યો છે. વરસાદ દરમિયાન પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે અનેક સ્થળોએ ડ
Surat


સુરત, 16 જુલાઈ (હિ.સ.) ખાડી પૂર અને ભારે વરસાદ બાદ શહેરમાંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ હવે સુરત મહાનગરપાલિકા માટે સ્ટોર્મ ડ્રેનેજ નેટવર્કને ફરી કાર્યક્ષમ બનાવવું સૌથી મોટો પડકાર બન્યો છે. વરસાદ દરમિયાન પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે અનેક સ્થળોએ ડ્રેનેજ ચેમ્બરોના ઢાંકણા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે કાદવ, માટી તેમજ પ્લાસ્ટિકનો કચરો મોટી માત્રામાં અંદર જમા થઈ ગયો હતો. પરિણામે અનેક ડ્રેનેજ લાઈનોની પાણી વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ હોવાથી તંત્રે તાત્કાલિક સફાઈ અભિયાન શરૂ કર્યું છે.

આગામી વરસાદમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તે માટે પ્રથમ તબક્કામાં વરાછા, લીંબાયત અને ઉધના ઝોનમાં સઘન કામગીરી હાથ ધરાઈ છે. હાઈપ્રેસર જેટિંગ અને સક્શન મશીનોની મદદથી ડ્રેનેજ લાઈનોમાંથી ઊંડે સુધી ભરાયેલો કાદવ અને ઘન કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. મનપાના જણાવ્યા મુજબ, આ વિસ્તારો પૂરથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા હોવાથી અહીં કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે.

મનપાના અહેવાલ મુજબ 7 જુલાઈના ભારે વરસાદ દરમિયાન શહેરના અંદાજે 430 સ્થળોએ પાણી ભરાયા હતા, જ્યારે 254 હેવી-ડ્યુટી પંપોની મદદથી આશરે 111.14 કરોડ લીટર પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. હાલની સફાઈ દરમિયાન ડ્રેનેજ ચેમ્બરોમાંથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો અને અન્ય ઘન કચરો મળી રહ્યો છે. આ સ્થિતિને પગલે પ્રી-મોન્સૂન સફાઈની અસરકારકતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે, જોકે મનપાનો દાવો છે કે ચાલુ ઝુંબેશ પૂર્ણ થયા બાદ આગામી વરસાદમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande