
વડોદરા,16 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે બનેલી હિટ એન્ડ રન ઘટનામાં હવે CCTVના મહત્વના ફોટા સામે આવ્યા છે. રાહદારીને ટક્કર મારી ફરાર થયેલી i20 કાર અંગે અનેક ચોંકાવનારી વિગતો સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
વડોદરાના અમિતનગર સર્કલ પાસે બનેલી હિટ એન્ડ રન ઘટનામાં ફરાર થયેલી i20 કારના CCTV ફોટા સામે આવ્યા છે. અકસ્માત બાદ કારચાલક ઇજાગ્રસ્ત રાહદારીને રસ્તા પર જ છોડી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
તપાસ દરમિયાન સામે આવેલી CCTV તસવીરોમાં કારના આગળ અને પાછળ કોઈ નંબર પ્લેટ ન હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. જેના કારણે પોલીસ માટે કારની ઓળખ કરવી વધુ પડકારજનક બની છે.આ ઉપરાંત કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોવાના કારણે ડ્રાઇવરની ઓળખ પણ સ્પષ્ટ થઈ શકી નથી. જેના કારણે તપાસમાં વધુ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.
હાલ પોલીસે આસપાસના વિસ્તારોના વધુ CCTV ફૂટેજ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે ફરાર કારચાલક સુધી પહોંચવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.હિટ એન્ડ રન જેવી બેદરકારીભરી ઘટનાઓ સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. હવે સૌની નજર પોલીસ તપાસ પર છે કે નંબર પ્લેટ વગરની આ રહસ્યમય i20 કાર અને તેનો ચાલક ક્યારે કાયદાની પકડમાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ