ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41 મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે પ્રસ્થાન પામી
ભાવનગર,16 જુલાઈ (હિ.સ.) અષાઢી બીજના પાવન અવસરે ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41 મી ભવ્ય રથયાત્રા ભક્તિ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે સુભાષનગર સ્થિત નિજ મંદિરેથી પ્રસ્થાન પામી હતી. ગુજરાત રાજ્યની બીજા નંબરની સૌથી મોટી અને દેશની અગ્રણી રથયાત્રાઓમાં સ્થાન
રથ યાત્રા


ભાવનગર,16 જુલાઈ (હિ.સ.) અષાઢી બીજના પાવન અવસરે ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41 મી ભવ્ય રથયાત્રા ભક્તિ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે સુભાષનગર સ્થિત નિજ મંદિરેથી પ્રસ્થાન પામી હતી. ગુજરાત રાજ્યની બીજા નંબરની સૌથી મોટી અને દેશની અગ્રણી રથયાત્રાઓમાં સ્થાન ધરાવતી આ યાત્રાને પહિંદ વિધિ બાદ રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ સંત-મહંતોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

“જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, જય કનૈયા લાલ કી” જેવા ગગનભેદી જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો રથ શહેરના પરંપરાગત 18 કિલોમીટરના માર્ગે નગરચર્યાએ નીકળ્યો હતો. માર્ગભરમાં હજારો ભાવિકોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર શહેરમાં શણગાર, સુશોભન અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

કેન્દ્રીય રાજ્ય મંત્રી તથા ભાવનગરના સાંસદ નિમુ બાંભણિયા અને પૂજ્ય સંત મોરારી બાપુએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી સ્વયં નગરજનોના ક્ષેમકુશળ પૂછવા માટે લોકો વચ્ચે આવે છે, જે ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું જીવંત પ્રતિક છે.

રથયાત્રાના પ્રારંભે માજી સૈનિકોએ સલામી આપી હતી. વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આકર્ષક થીમ આધારિત ફ્લોટ્સ, ભજન મંડળીઓ અને સાંસ્કૃતિક ઝાંખીઓ યાત્રાનું વિશેષ આકર્ષણ બની હતી.

રથયાત્રા દરમિયાન ભાવનગર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બ્લેક કમાન્ડો, ઘોડેસવાર પોલીસ, બી.એસ.એફ., સી.આર.પી.એફ., ફોરેસ્ટ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈનાત રહી હતી. આધુનિક હાઈટેક સાધનોની મદદથી સમગ્ર રૂટ પર સુરક્ષાની સતત દેખરેખ રાખવામાં આવી હતી. રથયાત્રાને સફળ બનાવવા માટે હરુભાઈ ગોંડલીયાએ પણ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. રથયાત્રા નિર્ધારિત માર્ગ પૂર્ણ કરીને રાત્રે નિજ મંદિરે પરત ફરશે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande