
અમદાવાદ,16 જુલાઇ (હિ.સ.) .) જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી. સોનાની સાવરણીથી માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ વિધિ’ કરી. ‘પહિંદ વિધિ’ એટલે રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલાં સોનાની સાવરણી વડે રથના માર્ગને સાફ કરવાનો અને જળ છાંટવાની પરંપરા. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ છે.
રથયાત્રાના અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. રથયાત્રા પૂર્વે તેમણે ભક્તો વચ્ચે જઈ ભાવિકો માટે પોતાના હાથે પૂરી તળી હતી, જેના કારણે ત્યાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદ અને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવતા સેવાકાર્યમાં હર્ષ સંઘવીએ પણ સહભાગી બની સેવા આપી હતી. તેમની આ અનોખી શૈલી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
આ ઉપરાંત હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટની મુલાકાત લઈને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અધિકારીઓ પાસેથી તેમણે બંદોબસ્ત અંગે માહિતી મેળવી અને ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. 149મી રથયાત્રાને લઈને સમગ્ર અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી રહ્યા છે.
પહિંદ વિધિ બાદ અમદાવાદની જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. ગજરાજ અને અખાડા મુખ્ય આકર્ષણ છે. પરંપરા મુજબ રથયાત્રામાં 18 ગજરાજ અને વિવિધ અખાડાના 30થી વધુ સભ્યો તલવારબાજી, લાઠીના દાવ જેવા રોમાંચક કર્તબો પ્રદર્શિત કરીને ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ગજરાજની આગેવાનીમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ