
અમરેલી, 21 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક આવેલા તળાવના કિનારે શાંતિથી બેઠેલી એક સિંહણનો અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કુદરતી વાતાવરણ વચ્ચે નિર્ભયતાથી આરામ ફરમાવતી સિંહણનું આ મનમોહક દૃશ્ય મોબાઇલ કેમેરામાં કેદ થતાં વન્યજીવપ્રેમીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વીડિયોમાં સિંહણ તળાવના કિનારે શાંત મુદ્રામાં બેઠેલી જોવા મળે છે અને આસપાસના હરિયાળા વાતાવરણનો આનંદ માણતી હોય તેવું દૃશ્ય જોવા મળે છે. વરસાદી માહોલ અને કુદરતી સૌંદર્ય વચ્ચે સિંહણની આ હાજરી સમગ્ર દૃશ્યને વધુ આકર્ષક બનાવી દે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને હજારો લોકોએ નિહાળ્યો છે અને કુદરત તેમજ ગીરના એશિયાટિક સિંહોની સુંદરતા અંગે પ્રશંસા વ્યક્ત કરી છે. જોકે, વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા વન્યજીવો જોવા મળે ત્યારે તેમની નજીક જવાનો અથવા તેમને હેરાન કરવાનો પ્રયાસ ન કરે અને સુરક્ષિત અંતર જાળવી રાખે.
ગીર પંથકમાં વરસાદી ઋતુ દરમિયાન સિંહો તળાવો અને જળાશયો આસપાસ જોવા મળતા હોય છે, ત્યારે અંટાળીયા નજીકનો આ વીડિયો ફરી એકવાર ગીરના સમૃદ્ધ વન્યજીવનની અનોખી ઝલક રજૂ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai