
સુરત, 21 જુલાઈ (હિ.સ.) સુરતના ભેસ્તાન આવાસ સામે આવેલા માર્ગ પર આજે સવારે એક ઈંટોથી ભરેલી ભારે ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રસ્તાનો એક ભાગ ધસી પડ્યો હતો. પરિણામે ટ્રકના પાછળના ટાયર રસ્તામાં અડધી સુધી ખૂંપી જતા વાહન ત્યાં જ અટકી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાના કારણે ટ્રાફિક અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક માહિતી મુજબ, આ સ્થળે અગાઉ ડ્રેનેજ અથવા ભૂગર્ભ પાઇપલાઇનના કામ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પૂરાણ અને મજબૂત સમારકામ કરવામાં આવ્યું ન હોવાનું કહેવાય છે. સામાન્ય વરસાદ બાદ જ જમીન બેસી જતાં ઉપરનો રસ્તો પોલો થઈ ગયો અને ભારે વાહન પસાર થતાં આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.
આ બનાવ બાદ ફરી એક વખત સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ સમારકામની ગુણવત્તા ચર્ચામાં આવી છે. શહેરમાં વરસાદ શરૂ થયા બાદ અનેક સ્થળોએ રસ્તા ધસી પડવાના અને ખાડા પડવાના બનાવો સામે આવી રહ્યા છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે રોડના સમારકામ અને ખોદકામ બાદના પૂરાણમાં ગુણવત્તાનું કડક પાલન કરવામાં આવે જેથી આવી ઘટનાઓ ફરી ન બને.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે