
પાટણ, 21 જુલાઈ (હિ.સ.)સમી તાલુકાના ગ્રામીણ કમ્પ્યુટર સાહસિકો (VCE)એ વર્ષોથી બાકી રહેલા કમિશન અને મહેનતાણાંની ચુકવણીની માંગ સાથે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. VCE યુનિયને ચેતવણી આપી છે કે બાકી ચૂકવણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતોમાં CBDS હેઠળની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.
VCE પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ વર્ષ 2021-22 દરમિયાન ચણા-તુવેર ખરીદી માટે કરાયેલી ઓનલાઇન અરજીઓ તેમજ ROR કમિશનનું ચૂકવણું હજુ સુધી મળ્યું નથી. કમિશન આધારિત કામગીરીનું મહેનતાણું ન મળતાં યુનિયને કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી ગ્રામ પંચાયતોમાં રેશનકાર્ડ e-KYC, ઇ-શ્રમ કાર્ડ, ખેડૂત નોંધણી, જન્મ-મરણ નોંધણી તેમજ મિલકત, પાણી અને ઘરવેરાની વસૂલાત જેવી અનેક નાગરિક સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે, જેના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ