

- બેફામ અને બેદરકાર વાહનચાલકો રસ્તા પરની ગાયોને ટક્કર મારી ફરાર થઈ જાય છે
ભરૂચ, 21 જુલાઈ (હિ.સ.) આમોદની મેઈન ચોકડી ખાતે અજાણ્યા વાહનની ટક્કરથી એક ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત ગાય સારવારની રાહ જોઈ રહી હતી. સૌથી કરુણ બાબત એ છે કે ઇજાગ્રસ્ત ગાય સાથે તેનું નાનું બચ્ચું પણ છે. જો ગાયનું મૃત્યુ થાય તો આ નિર્દોષ બચ્ચાની જવાબદારી કોણ લેશે?
આ કોઈ પ્રથમ ઘટના નથી. દર વર્ષે બેફામ અને બેદરકાર વાહનચાલકો રસ્તા વચ્ચે ઊભેલી અથવા બેઠેલી ગાયોને ટક્કર મારી ફરાર થઈ જાય છે. પરિણામે નિર્દોષ પશુઓ જીવલેણ ઇજાઓ ભોગવે છે. બીજી તરફ કેટલાક ગાય માલિકો પોતાની જવાબદારીમાંથી છટકી ગાયોને રસ્તા પર રઝળતી મૂકી દે છે, જે અકસ્માતોનું મોટું કારણ બની રહ્યું છે.
આમોદ નગરપાલિકાએ હવે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ કડક અને અસરકારક અભિયાન ચલાવી રસ્તા પર રઝળતા પશુઓને તાત્કાલિક પાંજરાપોળમાં ખસેડવા જોઈએ. સાથે જ જે માલિકો પોતાની ગાયોને ખુલ્લેઆમ રસ્તા પર મૂકી દે છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે.
નહિતર દર વર્ષે આવી જ રીતે નિર્દોષ ગાયો વાહનો નીચે કચડાતી રહેશે, બચ્ચાં અનાથ બનતાં રહેશે અને તંત્ર માત્ર તમાશો જોતું રહેશે. હવે જવાબદારી નક્કી કરવાનો અને કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક જાગૃત દુકાનદારને થતા તેઓ તાત્કાલિક પાટા મારીને તેની સેવા કરતા નજરે પડી રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ